શૈક્ષણિક માર્ગદર્શન

કવિશ્રી તુષાર શુક્લ: શિક્ષણ વિષે અભિપ્રાય  <----- અહી ક્લિક કરો

તમારા બાળકને શું શીખવશો ?
તમારા બાળકને આટલું જરૂરથી શીખવજો.
[1] તમારું બાળક સુંદર, સુવાચ્ય અક્ષરે લખે તેમ તેને શીખવજો. ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. ખરાબ અક્ષરથી લખનાર વ્યક્તિને માત્ર પરીક્ષામાં નહિ, પરંતુ અન્ય અનેક ક્ષેત્રોમાં શોષાવું પડે, તેવી શક્યતા છે અને સારા અક્ષરથી લખનાર વ્યક્તિને માત્ર પરીક્ષામાં જ નહિ, પરંતુ અન્ય અનેક ક્ષેત્રમાં વિશેષ ગુણ મળે છે. સુંદર, સુવાચ્ય, સુઘડ અને મરોડદાર અક્ષરે લખવું તે એક વિશેષ યોગ્યતા છે અને તમારા બાળકને આ યોગ્યતાનો લાભ મળે તેટલું કરજો.
એક વાર ખરાબ અક્ષરની ટેવ પડે પછી મોટી ઉંમરે તેમાં સુધારણા કરવાનું કાર્ય અશક્ય નથી, પરંતુ મુશ્કેલ છે. તેથી પ્રારંભથી જ બાળકને સુંદર અક્ષરે લખતાં શીખવજો. બીજા કે ત્રીજા ધોરણમાં તેથી પણ આગળ ભણનાર બાળકના અક્ષર ખરાબ થતાં હોય તો હવે તેને સારા અક્ષરે લખતાં શીખવી શકાય કે નહિ ? જરૂર શીખવી શકાય. ખરાબ અક્ષરે લખનાર બાળક સુંદર અક્ષરે લખતું થાય તે કાર્ય અશક્ય પણ નથી અને મુશ્કેલ પણ નથી. ઉંમર જેમ નાની તેમ આ સુધારણા સરળ છે. આમ છતાં વ્યક્તિ ધારે તો કોઈ પણ ઉંમરે પોતાના ખરાબ અક્ષરોને સુંદર બનાવી શકે છે. ઉત્તમ તો એ જ છે કે પ્રારંભથી જ બાળક સારા અક્ષરે લખે તેમ ગોઠવવું પણ તેમ ન બન્યું હોય તો હજુ પણ મોડું થયું નથી. બાળકના અક્ષરમાં સુધારો કરી શકાય છે. જેટલાં વહેલાં જાગીએ તેટલું સારું, પણ અશક્ય તો ક્યારેય નથી. તમારા બાળકને સારા અક્ષરે લખવાની ટેવ પડે તે માટે આટલું કરી શકાય સારા અક્ષરે લખવા માટેની અભ્યાસપોથી મળે છે, તેનો ઉપયોગ કરવો. શિક્ષકો અને માતા-પિતા તથા અન્ય વડીલો બાળક સારા અક્ષરે જ લખે તેવો આગ્રહ, ચીવટ રાખે અને તે માટે બાળકને સતત મદદ કરતા રહે. સારા અક્ષરે લખવું ખૂબ જરૂરી છે, તે વાત બાળકના મનમાં મૂકો. બાળકને સારા અક્ષરનો મહિમા સમજાવો.

[2] બાળકના જીવમાં ઓછામાં ઓછી કોઈ એક કળાને સ્થાન હોય તેમ ગોઠવો. સંગીત, ચિત્ર, શિલ્પ, નૃત્ય, ફોટોગ્રાફી આ કે આવી કોઈ લલિત કળા બાળકના જીવમાં કાંઈક અંશે સ્થાન પામે તે બાળકના હૃદયના વિકાસ માટે આવશ્યક છે. શિક્ષકો અને માતા-પિતા તથા વડીલો જાગૃતિપૂર્વક બાળકના ચિત્તમાં આવી કોઈ કળા પ્રત્યે અભિમુખતા વિકસાવી શકે છે.
[3] બાળક મધુર માનવસંબંધોની કળાનો મહિમા નાની વયથી શીખે અને તે કળા હસ્તગત કરે, જીવનમાં તે કળાને સમુચિત સ્થાન આપે, તે બાળકના ભાવિ જીવન માટે અને બાળકના સમતોલ જીવનવિકાસ માટે બહુ આવશ્યક છે. બાળક સંબંધમાં આવનાર સૌની સાથે મધુર વાણી બોલે, મધુર વ્યવહાર રાખે આ કળા બાળકને શીખવો. એટલું જ નહિ, મધુર વાણી, મધુર વ્યવહાર અને મધુર માનવસંબંધોનો મહિમા પણ તેને સમજાવો.
[4] તમારા બાળકને તરતાં શીખવજો, તમારા બાળકને થોડું કરાટે શીખવજો. બાળકના વ્યક્તિત્વના વિકાસમાં આ અને આવી કળાઓનું પણ કાંઈક પ્રદાન છે. બાળક શરીરથી સ્વસ્થ અને બળવાન બને, મનથી નિર્ભય બને તે માટે આવી કળાઓનું શિક્ષણ ઉપયોગી થઈ શકે તેમ છે.
[5] નાની વયથી જ બાળકના ચિત્તમાં સારાં પુસ્તકો વાંચવાનો રસ લગાડી દેજો. ઉત્તમ પુસ્તકોના વાચન દ્વારા બાળકના જીવનમાં ઘણું આવશે. નાની વયને અનુરૂપ સારાં પુસ્તકો મૂકતા રહો અને પુસ્તકો વિશે વાતો પણ કરતા રહો.
[6] બાળકના જીવનવિકાસમાં યાત્રા-પ્રવાસનું પણ ઉત્તમ પ્રદાન થઈ શકે છે. યાત્રાપ્રવાસના માધ્યમ દ્વારા બાળકનું વિશ્વ વિસ્તૃત બને છે. શાળા દ્વારા આયોજિત યાત્રા-પ્રવાસમાં બાળકને જરૂર મોકલો અને તમે પણ બાળકને યાત્રા-પ્રવાસમાં શક્ય હોય તો અવાર-નવાર અવશ્ય લઈ જજો. નાની વયથી જ બાળકના ચિત્તમાં યાત્રા, પ્રવાસ, સાહસપ્રવાસ, પગપાળા પ્રવાસ આદિ પ્રવાસનાં ભિન્નભિન્ન સ્વરૂપો પ્રત્યે રસ-રુચિ ઉત્પન્ન થાય અને વિકસે તેમ ગોઠવજો.
[7] બાળકને નાની વયથી જ તેની વયને અનુરૂપ યોગાસન-પ્રાણાયામ શીખવજો. એટલું જ નહિ, પરંતુ બાળક તેનો નિત્ય અભ્યાસ કરે તેમ પણ ગોઠવજો. શરીર અને મન સ્વસ્થ અને સમતોલ રહે, તે માટે યોગાભ્યાસ ખૂબ મૂલ્યવાન સાધન છે. બાળકને યોગાભ્યાસનો મહિમા પણ સમજાવજો. બાળકને યોગના વર્ગોમાં મોકલો. તેમના હાથમાં યોગનાં સચિત્ર સરળ પુસ્તકો આપતા રહેજો. કોઈ છીછરા અને લેભાગુ યોગશિક્ષકના હાથમાં બાળકને સોંપશો નહિ. બાળકને યોગ શીખવો પરંતુ સાચા અને સારા જાણકાર શિક્ષક દ્વારા જ તે યોગ શીખે તે આવશ્યક છે.
[8] તમારું બાળક ઘરમાં બેસીને મીઠાઈ ખાઈ રહ્યું છે. તે વખતે પડોશમાં રહેતો તેનો સમવયસ્ક મિત્ર આવશે તો તમે તમારા બાળકને શું કહેશો ?
બાળકને કહેજો, ‘બેટા ! તારો મિત્ર આવ્યો છે, તેને પણ મીઠાઈ આપ. એકલા એકલા ન ખવાય !બાળક પોતાના મિત્રને મીઠાઈ આપે એટલે તેને બિરદાવો. આ રીતે અને આવી અનેક રીતે બાળકને વહેંચીને ખાવાના અને અન્યને ખવડાવીને ખાવાના સંસ્કાર આપો. સાવધાન ! તમારું બાળક સ્વાર્થી અને એકલપેટું ન બની જાય તેની કાળજી રાખો.
[9] તમારું બાળક ઝઘડાખોર અને મારકણું ન બની જાય તેની કાળજી રાખો. બાળક પોતાના ભાઈઓ-બહેનો, શેરીનાં બાળકો અને શાળાનાં બાળકો સાથે મૈત્રીભાવ રાખે, કોઈની સાથે ઝઘડો કે મારામારી ન કરે તેવી રીતે તેનું ઘડતર કરો. ભાઈલાઓ પોતાની બહેનો પર હાથ ઉપાડે છે અને ભાઈલાઓની આ શિરજોરી આપણે ચલાવી લઈએ છીએ. તમારો પુત્ર તમારી પુત્રી પર હાથ ઉપાડે તો તે ગંભીર અપરાધ છે. તમારા પુત્રના વ્યવહારમાં આવી કુટેવ આવી ન જાય તેની ખૂબ કાળજી રાખજો. બાળક સૌની સાથે સંપીને રહે, તેવી કેળવણી થવી જોઈએ, તેવા સંસ્કાર તેને મળવા જોઈએ.
[10] બાળકને નાની વયથી સ્વચ્છતા, સુધડતા અને વ્યવસ્થાની ટેવ પડે તેની કાળજી રાખો. તે માટે ઘરનું પરિસર સ્વચ્છ રાખો, બાળકનાં કપડાં-પથારી-શરીર આદિ સ્વચ્છ રાખો, બાળકને સ્વચ્છતા-વ્યવસ્થા અને સુઘડતાનો મહિમા સમજાવતા રહો.
[11] વયને અનુરૂપ રહીને તમારું બાળક પોતાનું કાર્ય પોતાની જાતે કરે તેવી તેને ટેવ પાડો. આ જ ટેવ મોટી ઉંમરે તેનામાં સ્વાવલંબન વૃત્તિરૂપે પ્રગટ થશે, વિકાસ પામશે.
[12] બાળકને પ્રેમ આપો, ખૂબ પ્રેમ આપો. આમ છતાં અતિલાલન ત્યાજ્ય છે. અતિલાલનથી બાળક પંગુ બની જાય છે. બાળક વધારે પડતું ચાગલું બની જાય અને પોતાનું ધાર્યું જ કરે તેવી ટેવ પડે તે ઈષ્ટ નથી.
[13] બાળકને કોઈપણ સંયોગોમાં મારશો નહિ. બાળકને ધમકાવવું કે ડરાવવું નહિ. બાળકને સતત સલાહ આપ્યા કરવી કે સતત ઠપકો આપ્યા કરવો આ રીત સારી નથી. તેનાથી બાળક નીંભર બની જાય છે. બાળકને સતત ઉતારી પાડવાથી તેનામાં લઘુતાગ્રંથિ ઊભી થાય છે. આ બધું છતાં બાળક કહે તેમજ આપણે કરવું જોઈએ, તે બરાબર નથી. બાળકની અનુચિત માગણી પૂરી ન કરવી.
તમારા બાળકને શું શીખવશો ? – આ યાદી અહીં પરિપૂર્ણ થઈ જાય છે તેમ નથી. અહીં થોડી નમૂનારૂપ બાબતોનો ઉલ્લેખ કર્યો. જાગ્રત વાલી પોતાના બાળકને આ અને આવું બીજું ઘણું શીખવી શકે.



વાતનું વતેસર : ડો. રઈશ મનીઆર
ગાં ધીજીએ પોતાના ખરાબ અક્ષરમાં એક સુવાક્ય લખીને દુનિયાને ભેટ આપ્યું હતું, "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે" ત્યારથી શિક્ષકો અને માતાઓ સોટી લઈને બાળકોની પાછળ પડી ગયાં છે. અમારા પડોશમાં રહેતો હેમિશ નાનો હતો ત્યારથી હેમાબહેન ગાંધીજીના આ વિધાનને વેદવાક્ય ગણીને હેમિશ જો ખરાબ અક્ષરે હોમવર્ક કરે તો પાનાં ફાડી નાખતાં. ક્ષર એટલે નાશ પામે એવું અને અક્ષર એટલે નાશ ન પામે એવું. છતાં હેમિશના અક્ષર હેમાબહેનના હાથે નાશ પામતાં. હેમિશ પણ ગાંધીજીનો અનુયાયી હતો એટલે એનો નિયમ હતો કે જો કોઈ (એટલે કે મમ્મી જ) જમણા ગાલે તમાચો મારે તો ડાબો ગાલ ધરવો, પણ અક્ષર તો ન જ સુધારવા.
હેમિશના અક્ષર સુધારવાની પ્રેક્ટિસ કરાવવામાં હસુભાઈના અક્ષર સુધરી ગયા. હેમિશને ઘડિયા (ટેબલ) મોઢે કરાવવામાં હેમાબહેનને ટેબલ મોડે મોડે મોઢે થઈ ગયા. મોટાભાગની મમ્મીઓ પોતે શાળાકાળમાં ગુજરાતી મીડિયમમાં જે ન શીખી શકી, તે બાળકને ભણાવતાં ભણાવતાં અંગ્રેજી મીડિયમમાં શીખી જાય છે. મેં જોયું છે કે કોઈ પણ'' પીઢ કે પ્રૌઢ બને ત્યારે ઢ રહેતો નથી, તેથી જ હસુભાઈ હેમાબહેનને કહે છે, "અત્યારે હેમિશ ભલે ન સુધરતો, મોટો થઈ એનાં છૈયાં-છોકરાંને ભણાવશે ત્યારે તો અચૂક એના અક્ષર સુધારશે. ધીરજ રાખ!" પણ હેમાબહેને 'ધીરજ'ને નહીં, 'હેમિશ'ને રાખવાનો હોવાથી એના અક્ષર સુધારવા માટે શાકભાજી સુધારવાનું હસુભાઈને સોંપી, એમના હાથમાં ચપ્પુ પકડાવી, દીકરાના હાથમાં પેન્સિલ પકડાવી, પોતે રબ્બર પકડી, ગબ્બર બનીને બેસે છે ત્યારે ૫૦ - ૫૦ માઈલ સુધી સોપો પડી જાય છે.
તો હેમિશના અક્ષર હેમાબહેનની દૃષ્ટિએ કેવા હતા, એનું કાવ્યાત્મક વર્ણન જેમાં કર્યું છે એ બાળગીત આપ માણો.
મમ્મી પાડે રાડ અક્ષર ચોખ્ખા કાઢ.
નોટમાં દોર્યા કેમ તેં આવા નાના-મોટા પ્હાડ,
વચ્ચે વચ્ચે બાવળ ઊગ્યા આજુબાજુ તાડ.
મૂછ હલાવી વંદા ચાલ્યા ગોંડલથી બોટાદ,

મમ્મી પાડે રાડ અક્ષર ચોખ્ખા કાઢ.
ગૂમડાં જેવા અક્ષર તારા, ક્યાંથી બેસે ગડ,
નીચે ઝૂલે શબ્દો જાણે લીટી કબીરવડ.
કક્કો હક્કો બક્કો શોધે, ક્યાં માથું ક્યાં ધડ,
દોરી ઉપર સૂકવ્યાં ના હો લૂગડાં આડેધડ.
ઊગી ક્યાંથી થોર ભરેલી આ કાંટાળી વાડ,
અક્ષર ચોખ્ખા કાઢ, મમ્મી પાડે રાડ અક્ષર ચોખ્ખા કાઢ.

ત્રાસી ગયેલા હાંસિયાની તું શાને ઉડાવે હાંસી,
હ્રસ્વ ઇ દીર્ઘ ઈ એ રીતે તે આજુબાજુ ઠાંસી.
આડીઅવળી તલવારોથી નોટ બની ગઈ ઝાંસી,
અનુસ્વાર મોટું જાણે થઈ શહીદને હો ફાંસી.
લટકે કાના માતર જાણે પાયજામાની નાડ,
અક્ષર ચોખ્ખા કાઢ, મમ્મી પાડે રાડ અક્ષર ચોખ્ખા કાઢ.

''ને ''ને ''ની વચ્ચે ભેદ બહુ ભરમાવે,
'' જિરાફની જેમ ઊભો રહી ઝાડપાનને ચાવે.
'' હાથીની સૂંઢ બનીને ખેતર ખૂંદી કાઢે,
''ની પૂછડી લાંબી તે લંગૂરને પણ શરમાવે.
લખ્યું દિસે છે કૂતરી સાથે ગલુડિયાનું લાડ,
અક્ષર ચોખ્ખા કાઢ, મમ્મી પાડે રાડ અક્ષર ચોખ્ખા કાઢ.
(બાળકનો જવાબ)
મમ્મી મારી એક વાત પર મને કરી દે માફ,
ગરબડિયા આ અક્ષર મારા, દિલ છે મારું સાફ.
તું જ કહે, સારા અક્ષર કાઢું એનો શું લાભ,
જો વંચાતા હોય તો સાચા લખવા પડે જવાબ.
ઢાંકે છે અજ્ઞાન, ઘણું ગંદા અક્ષરનો પાડ,
શું અક્ષર ચોખ્ખા કાઢ, શું કાયમ એક જ રાડ, શું પાનાં ફાડાફાડ.
છોડ હવે વળગાડ ના સૌને દેખાડ,
નોટમાં શોભે જોને કેવા નાના-મોટા પ્હાડ.
'સારા અભ્યાસ માટે સારા અક્ષર જરૂરી છે' એવું સતત કહેનારાં મા-બાપ બાળકોને ડોકટરોના અક્ષર નજરે ન ચડી જાય એની તકેદારી રાખે છે. કહેવું હોય તો હિન્દીમાં કહી શકાય, "ડોક્ટર કે અક્ષર અકસર ખરાબ હોતે હૈ." કેમિસ્ટનું મુખ્ય કામ દવા આપવાનું નહીં, પણ ડોક્ટરના અક્ષરને ઉકેલવાનું હોય છે. જો કેમિસ્ટ અક્ષર બરાબર ન ઉકેલી શકે, ઘણી વાર દર્દી ઉકલી જતો હોય છે. 'ડોક્ટર ભણ્યા ત્યાં સુધી તો એમના અક્ષર સારા જ હતા' બાળકના ગળે એવી ગોળી જલદી ઊતરતી નથી.
 જોકે નાની ઉંમરે જ અમને સમજાઈ ગયું હતું કે સારા અક્ષરની જરૂર માત્ર પ્રેમપત્રમાં પડે, પણ જેના અક્ષર સારા હોય એ પ્રેમમાં ન પડે. નાની ઉંમરે પ્રેમમાં એવા જ પડે જેને ખરાબ અક્ષર અને ખરાબ જોડણી માટે શિક્ષક અને માતાની હૂંફ ન મળે. આવાં બાળકો પ્રેમિકા તરફ ખેંચાય છે અને સૌ જાણે છે કે પ્રેમિકાઓ નોટબૂક નહીં પણ ચેકબુક જુએ છે, તેથી 'છેકાછેકી'વાળી નોટબુક 'ચેક' કરી 'ચેકો' મારતા વડીલોને છોડી માત્ર ચેક માંગતી પ્રેમિકાના દિલમાં યુવાન ચેક ઇન કરે છે.

અમારી પેઢીનાં બાળકો જવાબપત્રથી લઈ પ્રેમપત્ર સુધી બધે જ ગંદા અક્ષર કાઢતાં. આજકાલ બાળકો ફેસબુક પર અને એસ.એમ.એસ.માં સારા અક્ષરે લખી શકે છે એવો મારો અનુભવ છે. આજની જનરેશન દલીલ કરે છે કે માઉસ એક જ આંગળીથી ચાલે છે, વીડિયો ગેઇમ બે અંગૂઠાથી ચાલે છે. બે જ આંગળીથી ટાઇપ પણ કરી શકાય છે. એ સંજોગોમાં ત્રણ આંગળીથી પેન પકડવી પડે છે એ એક આંગળીનો વ્યય છે. જે રીતે ઉપયોગિતા મટી જતાં વાનરની પૂંછડી નષ્ટ થઈ અને માનવ બન્યો એ રીતે ઉપયોગિતા ઘટી જતાં માણસની વધારાની ત્રણ આંગળીઓ નષ્ટ થઈ, કમ્પ્યુટરયુગનો માનવી બે આંગળીવાળો જ જોવા મળે તો નવાઈ નહીં. જેમ સમયગાળે ટેલિફોનનાં ચકરડાં, ટેલિગ્રામ, પેજર વગેરે ગયું એમ આવનારા દિવસોમાં પેન અને બોલપેન રહેશે નહીં. હસુભાઈની આગાહી છે કે ડિજિટલ યુગમાં નોટબુક માગતાં દુકાનદાર પૂંઠાંવાળી, કાગળવાળી નહીં, પરંતુ ડિજિટલ નોટબુક જ ધરશે. બાળકો કક્કો અને બારાખડી દેશી હિસાબમાંથી નહીં, કીબોર્ડ પરથી જ શીખશે.

Comments

Popular posts from this blog